કચ્છ જિલ્લાના સામખિયાળી નજીક આવેલા ભચાઉ હાઇવે પર વોંધ ગામ પાસેના જૈન મંદિરમાં મોડી રાત્રે ચોરીનો ગંભીર બનાવ બન્યો છે. અજાણ્યા તસ્કરો મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ મંદિરમાં સ્થાપિત મૂર્તિને પહેરાવેલા લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ જૈન સમાજ અને સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.
ચોરીના વીડિયોના આધારે તપાસ શરૂ
ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને LCBની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ચોરીના વીડિયો પણ વાયરલ થયા છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.













