મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ઉત્તરાયણ પૂર્વે જ પતંગની ઘાતક દોરીએ એક યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નાનીકડીથી દુધઈ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક માટે પતંગની દોરી કાળ સમાન સાબિત થઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ચાઇનીઝ કે કાચ પાયેલી ઘાતક દોરીના ઉપયોગ સામે ફરી સવાલો ઉભા થયા છે.


બાઈક પર જઈ રહેલા યુવક સાથે સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, એક યુવક પોતાનું બાઈક લઈને નાનીકડીથી દુધઈ વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક આકાશમાંથી લટકતી પતંગની ધારદાર દોરી યુવકના મોઢાના ભાગે આવી ગઈ હતી. બાઈકની ગતિ હોવાને કારણે દોરી ગળા અને હોઠના ભાગે કરવતની જેમ ફરી વળી હતી. યુવક કંઈ સમજે તે પહેલા જ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો.

હોઠના ભાગે 10 ટાંકા, ખાનગી હોસ્પિટલમાં સારવાર

આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને મોઢાના અને હોઠના ભાગે ગંભીર ચીરા પડી ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઈકચાલકને તુરંત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, યુવકના હોઠના ભાગે ગંભીર ઇજા હોવાથી તેને 10 ટાંકા લેવા પડ્યા છે.

તંત્ર અને નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો

ઉત્તરાયણનો તહેવાર હજુ નજીક છે ત્યાં જ આ પ્રકારની ઘટનાઓ બનવી તે ચિંતાનો વિષય છે. પ્રતિબંધિત દોરીઓનો વેચાણ અને ઉપયોગ નિર્દોષ વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું કરી રહ્યો છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, સાથે જ વાહનચાલકોને ગળામાં પટ્ટો બાંધવા અથવા હેલ્મેટ પહેરીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Vadodara News: ગટર દુર્ઘટના બાદ વહીવટી તંત્રનો સપાટો



  • Follow us on: