મહેસાણા શહેરમાંથી આગની એક મોટી અને માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતી ફ્રુટ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં તેણે આસપાસના મોટા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આ ભયાનક દુર્ઘટનામાં એક સાથે 6 જેટલી વેપારી પેઢીના શેડ બળીને ખાખ થઈ ગયા છે. એટલું જ નહીં, માર્કેટમાં ફ્રુટ ભરીને લાવેલી અથવા માલ લોડ કરવા ઉભેલી બે મોટી ટ્રકો પણ આ આગની ચપેટમાં આવી જતાં સંપૂર્ણપણે બળી ગઈ છે.
અગમ્ય કારણોસર લાગી આગ, માર્કેટમાં અફરાતફરી
ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મહેસાણા ફ્રુટ માર્કેટમાં આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની લપેટો એટલી ઊંચી ઉડી રહી હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે ફ્રુટ માર્કેટના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.













