મહેસાણા નગરપાલિકા હવે સત્તાવાર રીતે મહાનગરપાલિકા બની ચૂકી છે. નવા સીમાંકન બાદ 13 વોર્ડ અને 52 કોર્પોરેટરોની બેઠકોનું માળખું પણ નક્કી થઈ ગયું છે, જેમાં 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જોકે, ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ થયો છે, પરંતુ બીજી તરફ જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સવાલ એ છે કે શું માત્ર નામ બદલાવાથી મહેસાણાની તકદીર બદલાશે?
સીમાંકન અને બેઠકોનું ગણિત
નવા સીમાંકન મુજબ, મહેસાણા મહાનગરપાલિકા હવે ૭૯.૩૬ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં આસપાસના અનેક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૬માં જાહેર થયેલી પ્રાથમિક યાદી મુજબ આગામી ચૂંટણીમાં લાયક ઉમેદવારોને ચૂંટવા માટે જનતા મક્કમ છે. જોકે, સ્થાનિકોમાં અનામત પ્રથાને લઈને પણ આક્રોશ છે; લોકોનું માનવું છે કે જ્ઞાતિ-જાતિના સમીકરણોને બદલે લાયક અને વિકાસલક્ષી ઉમેદવાર જ શહેરની કાયાપલટ કરી શકે છે.
મોઢેરા રોડ વિસ્તારમાં ભારે આક્રોશ
મહેસાણાના મોઢેરા રોડ જેવા પોશ ગણાતા વિસ્તારોમાં રહીશોનો પારો સાતમા આસમાને છે. સ્થાનિકોનો આરોપ છે કે તેઓ નિયમિત મસમોટા ટેક્સના બિલો ભરે છે, છતાં પ્રાથમિક સુવિધાઓના નામે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. બિસ્માર રોડ-રસ્તા, ઉભરાતી ગટરો અને પીવાના પાણીની અનિયમિતતા હવે લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
ટેક્સ વધશે પણ સુવિધાનું શું?
મહાનગરપાલિકા બનતાની સાથે જ વેરામાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. કરદાતાઓ પૂછી રહ્યા છે કે જો સુવિધાઓ શૂન્ય જ રહેવાની હોય, તો વધારાનો ટેક્સ શા માટે? ચૂંટણી ટાણે નેતાઓ મત માંગવા આવશે ત્યારે મોઢેરા રોડ સહિતના જાગૃત નાગરિકો તેમને પાયાના પ્રશ્નો પર ઘેરવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો---- Ambaji : ત્રિશુળિયા ઘાટ પર ટ્રકની બ્રેક ફેલ થતા ભયાનક અકસ્માત સર્જાયો, મજબૂત રેલિંગે ચાલકનો જીવ બચાવ્યો