મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલી ક્રોસ રોડ હોટેલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા હોટેલમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા
પ્રાથમિક માહિતી અનુસાર, હોટેલમાં આગ કેવી રીતે લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે આગ લાગ્યા બાદ હોટેલમાં હાજર સ્ટાફ અને ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા. હોટેલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવા છતાં આગ ઝડપથી ફેલાઈ. આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી. ઘટનાની જાણ થતાં જ હળવદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.













