મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામમાંથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાપકડા ગામે ખેતરોમાંથી પસાર થતી પાવરગ્રીડ કંપનીની હાઈવોલ્ટેજ લાઇનના વીજપોલ ઊભા કરવાના મામલે છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને યોગ્ય વળતરની માગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતો તેમજ પોલીસ જવાનો સામસામે આવી ગયા હતા.



બિલ મુજબ વળતરની માગ સાથે ખેડૂતોનો વિરોધ

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાપકડા ગામે પાવરગ્રીડ કંપની અને સ્થાનિક ખેડૂતો વચ્ચે વળતરની રકમને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. વહીવટી તંત્ર કે કંપની દ્વારા અસરગ્રસ્ત ખેડૂતને આશરે રૂપિયા 5 લાખ જેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે. જોકે, ખેડૂતો આ રકમથી સંતુષ્ટ નથી. ખેડૂતોની માગ છે કે, સરકારી નિયમો અને બિલ મુજબ તેમને આશરે 30 લાખ જેટલું યોગ્ય વળતર મળવું જોઈએ. પોતાના હક માટે ખેડૂતો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી અટકાવી રહ્યા છે.


60થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકાયો, ગામ આખું ઉમટ્યું

ખેડૂતોના વિરોધ વચ્ચે પાવરગ્રીડની કામગીરી આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા સાપકડા ગામે 60થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ થતાં જ મોટી સંખ્યામાં સાપકડા ગામના ગ્રામજનો અને ખેડૂતો એકઠા થઈને સ્થળ પર પહોંચી ગયા હતા. ખેડૂતોએ કામગીરીનો વિરોધ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.


સાપકડા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ખેડૂતોનું કહેવું છે કે, જ્યાં સુધી કંપની બિલ મુજબ પૂરેપૂરું અને યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી તેઓ પોતાના ખેતરોમાં કામ કરવા દેશે નહીં. હાલમાં સાપકડા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને મામલો વધુ ન બગડે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Morbi News: હળવદના સાપકડામાં વીજ લાઇન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ


  • Follow us on: