મોરબી જિલ્લાના હળવદ પંથકમાં કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને તસ્કરો ફરી એકવાર સક્રિય થયા છે. હળવદની જાણીતી મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સોસાયટીમાં ચોરીની આ સતત બીજી ઘટના છે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


તસ્કરોએ મહર્ષિ ટાઉનશીપને નિશાન બનાવી

મળતી માહિતી અનુસાર ગત રાત્રે જ્યારે સમગ્ર પંથક શિયાળાની હાડ થીજવતી ઠંડી ભર નિંદ્રામાં હતુ, ત્યારે ત્રણ અજાણ્યા તસ્કરોએ મહર્ષિ ટાઉનશીપને નિશાન બનાવી હતી. આ તસ્કરોએ એક બંધ મકાનમાં પ્રવેશ કરી કબાટ અને તિજોરી ફંફોસી હતી અને તેમાંથી રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. સદનસીબે અન્ય કિંમતી સામાન બચી ગયો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે, પરંતુ સોસાયટીમાં થયેલા આ બીજા બનાવથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ચોરી

ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને શંકાસ્પદ રીતે હિલચાલ કરી રહ્યા છે અને મકાનમાં પ્રવેશી રહ્યા છે. આ ફૂટેજ હવે પોલીસ તપાસ માટે મહત્વનો પુરાવો બની રહેશે.

પોલીસ પેટ્રોલિંગ સામે ઉભા થયા અનેક સવાલો

આ વર્ષે આ જ સોસાયટીમાં ચોરીનો આ બીજો બનાવ સામે આવ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે રાત્રિ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ મર્યાદિત છે. ઠંડીનો ગેરલાભ ઉઠાવીને તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ક્લબ O7 ને નોન-વેજ પીરસવું પડ્યું ભારે! ગ્રાહકને રૂ. 25 હજારનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ



  • Follow us on: