મોરબીમાં બે દિવ્યાંગ અને માનસિક અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મામલાની જાણ થતા જ મોરબી પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા અને ગણતરીના કલાકોમાં જ આ જઘન્ય અપરાધમાં સંડોવાયેલા બે નરાધમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ડાયા ચૌહાણ અને હરેશ સોલંકી તરીકે થઈ છે. આ બંને શખ્સોએ મહિલાઓની લાચારીનો ફાયદો ઉઠાવી તેમની મર્યાદા લૂંટી હતી, જેના કારણે સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાઓ જાગી છે.
દિવ્યાંગો પણ અસુરક્ષિત?
પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર બંને મહિલાઓ માનસિક રીતે અસ્થિર હોવાથી આ કેસ અત્યંત સંવેદનશીલ છે. આરોપીઓએ કયા સંજોગોમાં અને કઈ રીતે આ કૃત્ય આચર્યું તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. એફએસએલ (FSL) અને મેડિકલ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં નબળા અને દિવ્યાંગ વર્ગની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.













