મોરબી શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મોરબી શહેરના સામાકાંઠે આવેલા વિદ્યુત નગર વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં આવેલા વિદ્યુત નગર વિસ્તારમાં એક જ દિવસમાં અંદાજે 8 લોકોને કૂતરાઓએ બચકાં ભરી ઈજા પહોંચાડી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
બાળક પર હુમલાના લાઈવ CCTV આવ્યા સામે
આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક નાનું બાળક પોતાના ઘરની નજીક શેરીમાં રમી રહ્યું હતું, ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. બાળક કંઈ સમજે તે પહેલા જ કૂતરાએ તેને નીચે પાડી દીધું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વાયરલ વીડિયો ગત રોજનો છે.
રહીશોમાં ફફડાટ અને તંત્ર સામે રોષ
વિદ્યુત નગર અને આસપાસના વિસ્તારોમાં કૂતરાઓના વધતા જતા હુમલાઓને કારણે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો સુરક્ષિત નથી, તેવી લાગણી રહીશો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ રખડતા ઢોર અને કૂતરાઓના પ્રશ્ને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.
મોરબી મનપા પાસે કડક કામગીરીની માગ
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓને પકડવા માટે તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવે. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે સ્થાનિકોએ રખડતા કુતરાઓના ઉકેલ માટે રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Morbi News : હળવદમાં હિટ એન્ડ રન, દેવાળિયા નજીક રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને અજાણ્યા વાહને કચડ્યા