નડિયાદના વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરે 195માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પવિત્ર મહાસુદ પૂનમના દિવસે મંદિરમાં પરંપરાગત રીતે થયેલી ભવ્ય સાકર વર્ષા બાદ હવે પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં મધ્ય ગુજરાત સહિત છેક વિદેશથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. રાત્રિના સમયે મેળાના આકાશી દ્રશ્યો અત્યંત આહલાદક અને મંત્રમુગ્ધ કરનારા જોવા મળી રહ્યા છે.


195માં સમાધિ મહોત્સવની ઉજવણી નિમીત્તે મેળો

ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મેળાનું આયોજન સંતરામ મંદિરની આસપાસના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સંતરામ મંદિર પરિસર, બાસુંદીવાલા સ્કૂલ ગ્રાઉન્ડ અને ઇફકોવાળા સર્કલ પાસે વિશાળ મેળો ભરાયો છે. રાત્રિના સમયે રંગબેરંગી રોશનીથી ઝળહળતા ચકડોળ, વિવિધ સ્ટોલ્સ અને ખાણીપીણીની બજારોથી આખું નડિયાદ જીવંત બની ગયું છે. મેળામાં આવેલી વિવિધ રાઈડ્સ અને તેના પ્રકાશથી આખું આકાશ ઝગમગી ઉઠ્યું છે.

પાંચ દિવસીય મેળામાં હજારો લોકો ઉમટ્યાં

સંતરામ મંદિરની અખંડ જ્યોતના દર્શન કરીને શ્રદ્ધાળુઓ મેળાની મોજ માણી રહ્યા છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ આ મેળાના આકર્ષણોમાં ખોવાઈ જાય છે. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા અને સુવિધાના સજ્જ આયોજનને કારણે લોકો કોઈ પણ મુશ્કેલી વગર આ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: