નવસારી શહેરમાં આજે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. શહેરના હાર્દ સમાન લુંસીકુઈ મેદાનમાં આયોજિત મેળામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે મેળાના મોટા ગુંબજ (ડોમ) અને પ્રવેશદ્વારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મેળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની ફરજ પડી છે.
લુંસીકુઈ મેદાનમાં આયોજિત મેળો થયો બંધ
વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે મેળાના મુખ્ય ડોમ પર લગાવવામાં આવેલા તોતીંગ પોસ્ટરો કાગળની માફક ફાટી ગયા હતા. એટલું જ નહીં, પવનના જોરદાર ઝાપટાંને કારણે મેળાનો મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પણ ઉખડી ગયો હતો. ડોમની અંદર રાખવામાં આવેલો વેપારીઓનો સામાન અને પ્રદર્શનની ચીજવસ્તુઓ પવનના કારણે વેરવિખેર થઈ ગઈ હતી. તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનને કારણે મેળામાં હાજર લોકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.













