નવસારીના રહેણાંક વિસ્તાર ગણાતા કાલિયાવાડીમાં બાઈક સવાર તસ્કરોએ એક વૃદ્ધાને નિશાન બનાવી છે. શહેરના માર્ગો પર હવે સિનિયર સિટીઝનો માટે સોનાના ઘરેણાં પહેરીને નીકળવું જોખમી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. કાલિયાવાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા જ્યારે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, ત્યારે અચાનક બાઈક પર બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ કંઈ પણ સમજાય તે પહેલા વૃદ્ધાના ગળા પર ઝપટ મારી બે તોલાની સોનાની ચેઈન ખેંચી લીધી હતી.


વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર

ચેઈન આંચકીને બંને સ્નેચરો પોતાની બાઈક પર 'ધૂમ' સ્ટાઈલમાં પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને શંકાસ્પદ હાલતમાં ફરતા અને ત્યારબાદ વૃદ્ધાને નિશાન બનાવતા સ્પષ્ટ જોઈ શકાય છે.

ચેઇન સ્નેચરો સીસીટીવી કેમેરામાં થયા કેદ

ઘટના અંગેની જાણ થતા જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરી સ્નેચરોની શોધખોળ આદરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: