દક્ષિણ ગુજરાતમાં અત્યારે શેરડીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ચીખલીના ટાંકલ ગામ નજીક સ્ટેટ હાઈવે પર એક ટ્રેક્ટર ચાલકે ભયાનક સ્ટંટ કરીને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેક્ટરમાં ક્ષમતા કરતા વધુ શેરડી ભરેલી છે. આટલો ભારે લોડ હોવા છતાં, ચાલકે ટ્રેક્ટરને એવી રીતે હંકાર્યું હતું કે ટ્રેક્ટરના આગળના બંને ટાયર હવામાં અધ્ધર થઈ ગયા હતા.


ટ્રેક્ટર ચાલકે સ્ટેટ હાઈવે ઉપર કર્યા જોખમી સ્ટંટ

માત્ર પાછળના બે પૈડા પર ટ્રેક્ટરને હાઈવે પર દોડાવીને ચાલકે જોખમી સ્ટંટ કર્યા હતા. ભારે વજન અને સ્ટંટને કારણે જો ટ્રેક્ટર પલટી ગયું હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકો ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

ઓવરલોડ શેરડી ભરી જતા ટ્રેક્ટરના ચાલકે કર્યા સ્ટંટ

હાઈવે પર અન્ય નિર્દોષ વાહનચાલકો માટે આ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. ટાંકલ અને ચીખલી પંથકમાં ઓવરલોડ વાહનોની સમસ્યા લાંબા સમયથી છે, પરંતુ આ પ્રકારે જોખમી સ્ટંટના કિસ્સાએ પોલીસ અને આરટીઓ (RTO) તંત્રની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોના આધારે પોલીસ આ ચાલક સામે શું પગલાં લે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: