વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ નવસારીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વિવાદમાં હવે બંને પક્ષોએ એકબીજા પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે, જેના કારણે આખો મામલો જમીન વિવાદ અને અંગત દુશ્મની તરફ વળતો દેખાય છે.
બંને પક્ષે એકબીજા ઉપર લગાવ્યા મોટા આરોપ
ફરિયાદી સાધના પટેલે ધારાસભ્ય અનંત પટેલ અને તેમના પત્ની પર ગંભીર આરોપો મૂક્યા છે. સાધના પટેલનો દાવો છે કે ધારાસભ્ય અનંત પટેલે તેમની માલિકીની જમીન પચાવી પાડી છે. સાધનાએ આક્ષેપ કર્યો છે કે અનંત પટેલના પત્ની તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જો મને ભવિષ્યમાં કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી અનંત પટેલની રહેશે.
ફરિયાદી સાધના પટેલના અનંત પટેલ પર આરોપ
બીજી તરફ, કલ્પના પટેલે સાધના પટેલના તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને વળતા આક્ષેપો કરતાં જણાવ્યું કે જમીન તેમની પોતાની છે અને અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ તેમની જમીન પર આવે તેની સામે તેમને કોઈ જ વાંધો નથી. કલ્પના પટેલે આક્ષેપ કર્યો છે કે સાધના પટેલ તેના બિન-આદિવાસી પ્રેમીને ખુશ કરવા માટે આ પ્રકારના ખોટા 'નાટકો' કરી રહી છે.
બિન આદિવાસી પ્રેમીને ખુશ કરવા નાટક કર્યાનો દાવો
તેમના મતે સાધનાનો પ્રેમી આદિવાસી સમાજ અને ધારાસભ્ય અનંત પટેલનો કટ્ટર વિરોધી છે, અને આ ફરિયાદ તે કાવતરાનો એક ભાગ છે. હાલમાં આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ બંને પક્ષોના નિવેદનો અને જમીનના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ધારાસભ્યના પરિવાર સાથે જોડાયેલો મામલો હોવાથી સમગ્ર જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો