નવસારી જિલ્લો પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલો હોવાથી 31મી ડિસેમ્બરની રાત્રે દારૂની હેરાફેરી અને 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ના કિસ્સાઓ વધવાની શક્યતા રહેલી હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તમામ મુખ્ય હાઈવે અને અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીંથી પસાર થતા પ્રત્યેક વાહનચાલકની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
જિલ્લાના તમામ પ્રવેશદ્વાર પર પોલીસે કર્યું ચેકિંગ
ખાસ કરીને બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા વાહનચાલકોએ નશો કર્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જો કોઈ ચાલક નશાની હાલતમાં પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી વાહન જપ્ત કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટની રાત્રે થતી ઉન્માદિત પાર્ટીઓ અને હુલ્લડબાજી રોકવા માટે પોલીસે અગાઉથી જ પોતાની હાજરી બતાવી છે.













