ભાવનગર જિલ્લાના પાલીતાણામાં નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજની કામગીરી માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં એક સ્થાનિક યુવક બાઇક સહિત ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ સલામતીના કોઈ પણ સાધનો રાખવામાં આવ્યા નથી.
સ્થાનિક યુવક બાઇક સહિત ખાડામાં પડ્યો
વાહન વ્યવહાર માટે રોડ સત્તાવાર રીતે બંધ હોવા છતાં, ત્યાં રહેતા રહીશો અને શાળાએ જતા બાળકો માટે અવરજવર ચાલુ છે. કામગીરીના સ્થળે કોઈપણ પ્રકારના બેરીકેટ કે ડાયવર્ઝન બોર્ડ ન લગાવવામાં આવ્યા હોવાથી અંધારામાં કે અજાણતા આ યુવક સીધો ખાડામાં પડ્યો હતો. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ભેગા થઈને યુવકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.













