ગુજરાતના રાજકારણના એક અનુભવી અને પંચમહાલના દિગ્ગજ નેતા ઉદેસિંહ બારીયાનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી વડોદરા ખાતે સારવાર હેઠળ હતા, જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે.
રાજકીય સફર અને પ્રદાન
મૂળ જાંબુઘોડા તાલુકાના ડુમાં ગામના વતની એવા ઉદેસિંહ બારીયા હાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. કોંગ્રેસ શાસન દરમિયાન તેઓ ગુજરાત સરકારમાં કાયદા મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેઓ પંચમહાલ જિલ્લાના પાયાના નેતા ગણાતા હતા અને છેલ્લે સુધી રાજકારણમાં સક્રિય રહીને પ્રજાના પ્રશ્નો માટે લડત આપતા રહ્યા હતા.













