સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે 'નલ સે જલ' યોજના પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામે આ યોજના માત્ર કાગળ પર જ અમલી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગામમાં નળ તો નંખાયા છે, પણ તેમાંથી પાણીને બદલે માત્ર હવા નીકળી રહી છે.
બે વર્ષ થયા પણ નળમાં પાણી આવ્યું નથી
પંચમહાલના શહેરા તાલુકાના મોરવા રેણા ગામની અંદાજિત 5000ની વસ્તી છેલ્લા બે વર્ષથી એક અજીબ વિરોધાભાસમાં જીવી રહી છે. દરેક ઘરની બહાર નળના કનેક્શન તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ કનેક્શન આપ્યાને બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી એક ટીપું પાણી પણ ગ્રામજનોને નસીબ થયું નથી.
આરસીસી સ્ટેન્ડ પોસ્ટ આજે વહીવટી બેદરકારીની સાક્ષી પૂરી રહ્યા છે
ખાસ કરીને ગામના બારીઆ ફળિયા, ભાથીજી ફળિયું અને મંદિર ફળિયું જેવા વિસ્તારોની હાલત સૌથી વધુ કફોડી છે.ગામમાં યોજનાના ભાગરૂપે બનાવવામાં આવેલા આરસીસી (RCC) સ્ટેન્ડ પોસ્ટ આજે વહીવટી બેદરકારીની સાક્ષી પૂરી રહ્યા છે. જાળવણીના અભાવે અને પાણી ન આવવાને કારણે અનેક જગ્યાએ નળ તૂટી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે ઉભું કરવામાં આવેલું આ માળખું આજે બિસમાર હાલતમાં ફેરવાઈ રહ્યું છે. જે યોજના લોકોની તરસ છિપાવવા માટે હતી, તે આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.
સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા
આધુનિક યુગમાં જ્યારે ઘરે ઘરે નર્મદાના નીર પહોંચાડવાના દાવા થાય છે, ત્યારે મોરવા રેણાના ગ્રામજનો આજે પણ પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભર છે.સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં ગ્રામજનોને સુવિધા કેમ નથી મળી? શું પાઈપલાઈનમાં ક્ષતિ છે કે પછી એન્જિનિયરિંગમાં કોઈ મોટી ભૂલ? આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે.
જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે
ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સ્થાનિકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે અને સત્વરે પાણી પુરવઠો શરૂ કરવામાં આવે....'હર ઘર જલ'નો સંકલ્પ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે મોરવા રેણા જેવા ગામોમાં નળમાંથી ખરેખર પાણી આવશે. તંત્રએ એસી ઓફિસોમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવી જોઈએ જેથી જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય અને લોકોને તેમનો પાયાનો હક—પાણી—મળી રહે.,જો નથી તો માત્ર 'પાણી'. આશરે 5000ની વસ્તી ધરાવતું આ ગામ આજે પણ આધુનિક સુવિધાઓના અભાવે આદિકાળની જેમ કુવા અને હેન્ડપંપના સહારે જીવવા મજબૂર બન્યું છે.
આ પણ વાંચો---- Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો