કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ ના સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે 2030 માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક 2036ને ધ્યાને રાખી ભારત સરકારની 25000 જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ છે. આ માટે ભારત સરકાર જરૂરી રોડમેપ બનાવવામાં આવ્યો છે. સાથે જ ખેલાડીઓના કૌશલ્યો વધુ નિખારે તે માટે સ્પોર્ટ્સ ટેકનોલોજીના ઉપયોગ, કોચિંગ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાયા
જૂનાગઢ ખાતેના સરદાર પટેલ સંકુલ ખાતે આયોજિત આ સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશભરમાં જુદા જુદા સ્થળોએ સંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી, ખેલના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે રમત ગમતના સંદર્ભમાં યુવા નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પણ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, રમત રમતના ક્ષેત્રમાં કોઈપણ ખેલાડી વિજેતા બને છે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતનો તિરંગો ફહેરાવે ત્યારે તે ગૌરવ માત્ર ખેલાડી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભારતના 140 કરોડ લોકો ગૌરવ અનુભવે છે.













