સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા ફરી એકવાર વિવાદ અને કૌભાંડને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે સ્વચ્છતા અભિયાનના નામે જાહેર નાણાંના બેફામ બગાડની ઘટના સામે આવી છે, જેમાં રૂપિયા 7 લાખથી વધુના ખર્ચે ખરીદવામાં આવેલી કચરા માટેની હજારો ડસ્ટબીન સાત વર્ષથી નગરજનોને કચરો નાખવા માટે ઉપલબ્ધ કરવાને બદલે ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વર્ષ 2017માં શહેરમાં સ્વચ્છતા જાળવવાના ઉદ્દેશ્યથી મોટી સંખ્યામાં કચરાપેટીઓ ખરીદવામાં આવી હતી. જોકે, આ ડસ્ટબીનને શહેરમાં જુદા જુદા સ્થળે મૂકવાને બદલે તેને ઇન્દિરાનગરના નગરપાલિકાના ગોડાઉનમાં મૂકી દેવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, સાત વર્ષથી વધુ સમય વીતી જવા છતાં નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર આ ડસ્ટબીનને તેના મૂળ હેતુ માટે ઉપયોગમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે.


રૂપિયા 7 લાખનો ભંગાર!

હાલમાં આ તમામ ડસ્ટબીન ગોડાઉનમાં ધૂળ ખાતી, તૂટી ફૂટી અને ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. રૂપિયા 7 લાખથી વધુના ખર્ચની આ ડસ્ટબીન હવે નપાની અણઆવડત અને ભ્રષ્ટાચારની જીવંત સાબિતી બની છે. સ્થાનિકોમાં આ કૌભાંડને લઈને ભારે રોષ વ્યાપી ગયો છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને લોકોને કચરો નાખવા માટે પૂરતી સુવિધા નથી, ત્યારે લાખો રૂપિયાની કચરાપેટીઓ ગોડાઉનમાં સડી રહી છે. સ્થાનિકોએ નગરપાલિકાના આ કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad ના પ્રદૂષણ પર રાજકારણ ગરમાયું, 'લોકોના ફેફસામાં 4 સિગારેટનો ધૂમાડો જાય છે'- વિપક્ષનો AMC પર આરોપ 

  • Follow us on: