સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નનાનપુર વિસ્તારમાં હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ખેતરમાં સૂતા પરિવાર પર અચાનક ક્રેન ફરી વળતાં એક માસૂમ બાળકનું દુખદ મોત થયું છે, જ્યારે માતા અને પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ પેદા કર્યું છે.
માસૂમ બાળકનું મોત
મળતી માહિતી અનુસાર નનાનપુર ગામ પાસે એક પરિવાર ખેતરમાં સૂતો હતો. તે દરમિયાન ક્રેન ચાલકે બેદરકારીપૂર્વક ક્રેન હંકારતા ખેતરમાં સૂતા પરિવાર પર ક્રેન ફરી વળી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળક ક્રેન નીચે કચડાઈ જતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.
બાળકના માતા અને પિતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
આ ઘટનામાં બાળકના માતા અને પિતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે હિમંતનગર સિવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ક્રેન ચાલક ઘટનાસ્થળેથી ફરાર
અકસ્માત સર્જાયા બાદ ક્રેન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને ફરાર થયેલા ક્રેન ચાલકને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
સ્થાનિકોમાં ભારે આક્રોશ
પોલીસ દ્વારા જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને ક્રેન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ ઉભો કર્યો છે.
આ પણ વાંચો--- Rajkot એઈમ્સમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત