રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા જૂનાગઢ રોડ પર અંબિકા સોલવન્ટ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. સિમેન્ટના પતરાં ભરીને જઈ રહેલી એક ઓવરલોડ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3થી 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.


108ની ત્વરિત કામગીરી

108ના તબીબો અને પાયલોટે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ધોરણે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગાડીમાં સિમેન્ટના પતરાં ક્ષમતા કરતા વધુ (ઓવરલોડ) ભરવામાં આવ્યા હતા, જે અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. આ અકસ્માતને પગલે જૂનાગઢ-ધોરાજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વેરાવળ, સોમનાથ અને જૂનાગઢથી જામનગર કે જામકંડોરણા તરફ જતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.

હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો

હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ સ્થાનિક રહીશો અને અન્ય વાહન ચાલકો માનવતાના ધોરણે કામે લાગી ગયા હતા. લોકોએ સાથે મળીને અકસ્માતગ્રસ્ત ગાડીને રોડની સાઈડમાં ખસેડવા અને ટ્રાફિક હળવો કરવા માટે ભારે મહેનત કરી હતી. લોકોના પ્રયાસોને કારણે ટ્રાફિકની સમસ્યામાં થોડો સુધારો જોવા મળ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર ઓવરલોડ વાહનોના જોખમ અને સ્પીડ પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: