રાજકોટના કુખ્યાત ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ આજે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી (DGP) ડૉ. કે.એલ.એન.રાવ ખાસ મુલાકાતે પહોંચ્યા હતા. આજી નદીના પટ્ટમાં થયેલા ઐતિહાસિક દબાણ દૂર કરવાની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને આ સફળ ઓપરેશન બદલ રાજકોટ શહેર પોલીસની પીઠ થાબડી હતી.


1500થી વધુ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે જંગલેશ્વર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 87,000 ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા 1509 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આટલી મોટી કામગીરી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા બદલ DGPએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

જંગલેશ્વર બનશે 'ક્રાઈમ ફ્રી'

મુલાકાત દરમિયાન ડૉ. કે.એલ.એન.રાવે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે હવે આ વિસ્તારને સંપૂર્ણપણે 'ક્રાઈમ ફ્રી' બનાવવામાં આવશે. તેમણે સ્થળ પર હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આજી નદીના કાંઠે થયેલા દબાણો દૂર થવાથી હવે આ વિસ્તારનો વિકાસ થશે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસાશે.

પોલીસને શાબાશી

DGPએ જણાવ્યું હતું કે, આટલા મોટા પાયે ડિમોલિશન કરવું એ પડકારજનક હતું, પરંતુ રાજકોટ પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી છે. તેમણે શહેર પોલીસ કમિશનર સહિતના તમામ જવાનોને આ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાતને પગલે જંગલેશ્વર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


આ પણ વાંચો - Rajkot News: એક જ પરિવારના ત્રણ સભ્યો દુબઈમાં ફસાયા, જ્યાં રહે છે ત્યાંથી 20 KM દૂર મિસાઈલ પડી


  • Follow us on: