Rajkot: વિવાદો વચ્ચે બાબા બાગેશ્વરની કથામાં 50 હજારની વ્યવસ્થા સામે અડધું મેદાન ખાલીખમ, પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ
Rajkot: વિવાદો વચ્ચે બાબા બાગેશ્વરની કથામાં 50 હજારની વ્યવસ્થા સામે અડધું મેદાન ખાલીખમ, પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાષ્ટ્રરક્ષા પ્રેરણાત્મક દિવ્ય કથાનો આખરે પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે, કથાના પ્રથમ દિવસે આયોજકોની આશાઓ પર પાણી ફરી વળ્યું
Gujarat| By Sandesh Team | Published: Jun 06, 2026 07:42 am
બાબાનો દરબાર
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જેમના આગમનને લઈને ભારે ચર્ચાઓ અને વિવાદો ચાલી રહ્યા હતા, તે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાષ્ટ્રરક્ષા પ્રેરણાત્મક દિવ્ય કથાનો આખરે પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે, કથાના પ્રથમ દિવસે આયોજકોની આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
અપેક્ષા કરતાં ખૂબ જ સીમિત સંખ્યા
ભારે વિવાદો અને પબ્લિસિટી વચ્ચે શરૂ થયેલી આ કથાના પ્રથમ દિવસે અપેક્ષા કરતાં ખૂબ જ સીમિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે સમગ્ર આયોજનને ભારે નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
50 હજારથી વધુ લોકો બેસી શકે તેવી વિશાળ બેઠક વ્યવસ્થા
રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ મેદાન ખાતે આ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા બાબાના ક્રેઝને ધ્યાનમાં રાખીને અંદાજે 50 હજારથી વધુ લોકો બેસી શકે તેવી વિશાળ બેઠક વ્યવસ્થા અને મસમોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે, કથાના ઉદ્ઘાટન દિવસે જ મેદાનની અડધાથી વધુ બેઠકો ખાલીખમ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા ખાલી રહેતા લોકમુખે અનેક ચર્ચાઓ જાગી છે. કેટલાક લોકો તેને તાજેતરમાં ઊભા થયેલા વિવાદોની અસર માની રહ્યા છે.
જો કે, પ્રથમ દિવસની નબળી શરૂઆત બાદ આયોજકો હજુ પણ આશાવાદી છે. પ્રથમ દિવસે ઓફિસના સમય અને સ્થાનિક અનુકૂળતાના કારણે ભીડ ઓછી હોઈ શકે છે. આજે કથાના બીજા દિવસે શનિવાર અને રજાનો માહોલ હોવાથી મેદાનમાં ભક્તોની સંખ્યામાં મોટો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે બીજા દિવસે રાજકોટવાસીઓ બાબા બાગેશ્વરને સાંભળવા ઉમટી પડે છે કે પછી રેસકોર્સનું મેદાન આવનારા દિવસોમાં પણ આવું જ ખાલી જોવા મળશે.