રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોળીના તહેવારની ઉજવણી વચ્ચે અચાનક હિંસા ફાટી નીકળતા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે જ સમયે બે જૂથના યુવકો વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તહેવારનો આનંદ ક્ષણવારમાં ભયમાં ફેરવાઈ ગયો હતો.


ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ

ઘટના પાછળનું મુખ્ય કારણ વાહન પાર્કિંગ અને જૂની અદાવતમાં સામસામે જવાબ આપવાની બાબત હોવાનું સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાહનો પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા બંને જૂથના શખ્સો હથિયારો અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં યુવકો એકબીજા પર પ્રહારો કરતા જોઈ શકાય છે. જોકે, સ્થાનિક વડીલો અને નાગરિકોએ સમયસૂચકતા વાપરી બંને પક્ષોને છૂટા પાડ્યા હતા.

બે જૂથના યુવકોને સ્થાનિકોએ છૂટા પાડ્યા

ઘટનાની જાણ થતા જ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના ધાડેધાડા ભગવતીપરામાં ઉતારી દેવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. શાંતિ ભંગ કરનારા શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: