ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીની જાળમાં ફસાયો છે. રાજકોટ સેન્ટ્રલ જીએસટી (CGST) કચેરીના વર્ગ-2 ના અધિકારી ધર્મેન્દ્ર યાદવને 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. ફરિયાદીની કંપનીના એક પ્રોજેક્ટનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવાનો હતો.
કંપનીના ફાઇનલ રિપોર્ટ માટે માગી હતી લાંચ
આ સરકારી કામગીરી પૂર્ણ કરવાના બદલામાં CGST અધિકારી ધર્મેન્દ્ર યાદવે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે રાજકોટમાં છટકું ગોઠવ્યું હતું. જેવું અધિકારી ધર્મેન્દ્ર યાદવે ફરિયાદી પાસેથી રૂ. 5,000 ની રકમ સ્વીકારી, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીએ ત્રાટકીને તેમને રંગે હાથે ઝડપી લીધા હતા.













