રંગીલા રાજકોટના માર્ગો પર જાણે રફતારનો રાક્ષસ સવાર હોય તેમ પૂરપાટ ઝડપે દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવામાં રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક નજીક ગત મોડી રાત્રે એક બેફામ બનેલી કારે બાઈક સવારને અડફેટે લેતા અફરાતફરી મચી જવા પામી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર ઘટના સ્થળે મુકીને ફરાર થઇ ગયો હતો.
ચુનારાવાડ ચોક પાસે સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આવેલા ચુનારાવાડ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક પૂર ઝડપે આવતી કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, બાઈક સવાર રોડ પર પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં, પકડાઈ જવાની બીકે કારચાલક પોતાનું વાહન ત્યાં જ છોડી અથવા ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.













