ઉનાળાના પ્રારંભની સાથે જ કેરીના રસિયાઓ માટે ખુશખબર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠું ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી વિધિવત રીતે કેસર કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના ભાવ આસમાને જોવા મળ્યા છે, જેમાં 10 કિલોના એક બોક્સના ભાવ રૂપિયા 5500 સુધી બોલાયા છે.


8 દિવસ વહેલું આગમન

સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં કેરીની આવક વધતી હોય છે, પરંતુ આ વર્ષે ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું 8 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ 'ગણેશ ફ્રુટ' નામની પેઢીમાં કેસર કેરીના 200 બોક્સની આવક થઈ હતી. ગીર પંથકના જસાધાર, કંટાળા અને મોતીસર ગામની ગુણવત્તાયુક્ત કેસર કેરી માર્કેટમાં ઉતરી છે.

હરાજીમાં બોલાયા ઊંચા ભાવ

કેરીની સિઝનના પ્રથમ દિવસે હરાજીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ રૂપિયા 2500થી શરૂ થઈને ઉંચામાં રૂપિયા 5500 સુધી બોલાયા હતા. શરૂઆતમાં આવક મર્યાદિત હોવાથી અને પ્રીમિયમ ક્વોલિટીની કેરી હોવાથી ભાવ ઉંચા રહ્યા છે. જોકે, આગામી દિવસોમાં ગીર અને અન્ય પંથકમાંથી કેરીની આવક વધતા ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.

સિઝનનો ધમધમાટ શરૂ

ગોંડલ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતા જ વેપારીઓ અને ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જેમ જેમ ગરમીનો પારો વધશે, તેમ તેમ કેસર કેરીની આવક અને માગ બંનેમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. કેરીના આગમનથી માર્કેટ યાર્ડમાં અત્યારથી જ કેરીની સિઝનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કેરી ફળોનો રાજ કહેવામાં આવે છે. ગુજરાતની જનતા કેરીની દીવાની છે, જેથી ઉનાળા આવતાની સાથે જ કેરીની માગ આખી સિઝન રહે છે.


આ પણ વાંચો - Rajkot કલેક્ટરનો ગેસ સિલિન્ડરને લઈને મહત્વનો નિર્ણય, PNG ગેસ ધારકોને નહીં મળે સિલિન્ડર


  • Follow us on: