ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં ભાષાના મુદ્દે એક મહત્વપૂર્ણ ઘટના બની છે, જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ન્યાયિક પ્રક્રિયામાં લાગણી કરતા કાયદાનું પાલન વધુ જરૂરી છે. રાજકોટના એક અરજદાર, જેઓ પાર્ટી ઇન પર્સન પોતે જ પોતાનો કેસ લડવા તરીકે હાજર થયા હતા, તેમણે હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં સુનાવણી કરવાની માંગ કરી હતી. જોકે, હાઈકોર્ટે આ માંગને સખત શબ્દોમાં નકારી કાઢી અરજદારનો ઉધડો લીધો હતો.


કોર્ટની કડક ટકોર અને અવલોકન

સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટની સત્તાવાર કામકાજની ભાષા માત્ર અંગ્રેજી છે. કોર્ટે અવલોકન કર્યું કે, અમને ગુજરાતી નથી આવડતું અને જો ચુકાદો અંગ્રેજીમાં આપવામાં આવે તો અરજદારને તેમાં કશું સમજાશે નહીં. અદાલતે અરજદારને ફટકાર લગાવતા કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ કોઈ ભાષણ આપવાનું મંચ નથી. અહીં માત્ર કાયદાકીય દલીલોને જ સ્થાન છે. કાયદા સિવાયની બિનજરૂરી વાતો કરીને કોર્ટનો કિંમતી સમય ન બગાડવા માટે અરજદારને સખત તાકીદ કરવામાં આવી હતી.

વકીલ રાખવા આપ્યા આદેશ

હાઈકોર્ટે અરજદારને જાતે કેસ રજૂ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સૂચન કર્યું કે જો અરજદાર વકીલ રાખવા સક્ષમ ન હોય, તો તેમણે લીગલ સર્વિસ ઓથોરિટીની મદદ લેવી જોઈએ. લીગલ સર્વિસ દ્વારા સરકારી ખર્ચે વકીલ મેળવીને કાયદાકીય મર્યાદામાં રહીને રજૂઆત કરવા કોર્ટે આદેશ આપ્યો હતો. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે ઉચ્ચ ન્યાયતંત્રમાં ભાષાકીય મર્યાદાઓ અને પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Ahmedabadનું 1205 કરોડનું સ્માર્ટ શિક્ષણ બજેટ મંજૂર, સ્પોર્ટ્સ અને સ્કોલરશીપ માટે ₹20 કરોડની ફાળવણી


  • Follow us on: