રાજકોટ શહેરમાં બેફામ વાહન ચલાવતા ચાલકોનો આતંક યથાવત છે. ગઈકાલે રાત્રે શહેરના રાજનગર ચોક પાસે એક કાળજું ધ્રુજાવતી હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક પુરપાટ ઝડપે આવતી કારે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ રામજીભાઈ પરમાર નામના 60 વર્ષીય વૃદ્ધ રાજનગર ચોક પાસેથી ચાલીને પસાર થઈ રહ્યા હતા.


ગઈકાલે રાજનગર ચોક પાસે કારચાલક કર્યો અકસ્માત

આ દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધ હવામાં ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે કાર ચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતમાં વૃદ્ધને પહોંચી હતી ગંભીર ઈજાઓ

બનાવની જાણ થતા જ માલવિયા નગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી કારના નંબરના આધારે ફરાર કાર ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં રાત્રિના સમયે વધતી જતી આવી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: