જ્વેલરી હબ ગણાતા રાજકોટ શહેરમાં ફરી એકવાર બંગાળી કારીગર દ્વારા વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. શહેરના એ-ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક કારીગર અંદાજે રૂ.36 લાખથી વધુની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતા હડકંપ મચી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટના સોની બજારમાં વ્યવસાય કરતા વેપારી કલ્પેશભાઈ કાતરીયાએ ત્રણ દિવસ પૂર્વે જ અક્ષય બાઉળી નામના બંગાળી કારીગરને કામ પર રાખ્યો હતો. જોકે, ઓક્ટોબર મહિનામાં બનેલી આ ઘટનામાં કારીગરે વેપારીનો વિશ્વાસ જીતીને મોકો મળતા જ હાથ ફેરો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કારીગર અક્ષયે માત્ર 4 મિનિટમાં જ દુકાનમાંથી સોનાનો જથ્થો સગેવગે કર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.













