રાજકોટ શહેરમાં વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે શહેરમાં ટુ-વ્હીલરમાં આગ લાગવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના જાણીતા મવડી વિસ્તારમાં આવેલા બાપાસીતારામ ચોક પાસે એક પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખા વાહનને લપેટમાં લઈ લીધું હતું. આ ઘટનામાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું.
સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, બાપાસીતારામ ચોક નજીક રોડની સાઈડમાં એક ટુ-વ્હીલર પાર્ક કરેલું હતું, જેમાં અચાનક જ ધુમાડા નીકળ્યા બાદ મોટી જ્વાળાઓ ઉઠવા લાગી હતી. ધોળા દિવસે જાહેર રોડ પર બાઇક ભડભડ સળગવા લાગતા આસપાસના લોકો અને વાહનચાલકોમાં થોડીવાર માટે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે, સ્થાનિકો કંઈ સમજે તે પહેલાં જ આખું વાહન આગની ચપેટમાં આવી ગયું હતું.













