રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા રેસકોર્સ રિંગરોડ પર આવેલી 'ટી પોસ્ટ' કાફે પાસે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. રિક્ષામાં ભરીને આવેલા કેટલાક શખ્સો અને મહિલાઓએ એક યુવકને ઘેરી લઈને બેફામ માર માર્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રેસકોર્સ રિંગરોડ પર હરવા-ફરવા આવેલા લોકોની ભીડ વચ્ચે અચાનક ચીસાચીસ સંભળાઈ હતી.
રેસકોસ રિંગરોડ પર બની સમગ્ર ઘટના
એક યુવક જ્યારે 'ટી પોસ્ટ' કાફેમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે અગાઉથી ત્યાં રિક્ષામાં આવી પહોંચેલા કેટલાક યુવકો અને મહિલાઓ તેના પર તૂટી પડ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ અને પુરુષો એકઠા થઈને યુવકને રસ્તા વચ્ચે ખેંચી રહ્યા છે અને તેના પર હાથ સાફ કરી રહ્યા છે. જાહેર માર્ગ પર આ પ્રકારે ફિલ્મી ઢબે થયેલી મારામારીને પગલે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને મુલાકાતીઓમાં ગભરાટ ફેલાયો હતો.













