રાજકોટ શહેરમાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સામે ભક્તિનગર પોલીસે લાલ આંખ કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસો પહેલા રાત્રીના સમયે તસ્કરોએ રામેશ્વર મહાદેવ મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
રામેશ્વર મંદિરમાં તસ્કરોએ કરી હતી ચોરી
સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો અત્યંત બેખૌફ બનીને મંદિરની દાનપેટી તોડી રહ્યા છે અને તેમાંથી રોકડ રકમની ચોરી કરી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે તપાસ તેજ કરી હતી. ભક્તિનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શખ્સો મેહુલ ઉર્ફે ભૂરી જેઠવા અને ભરત પરમારની ધરપકડ કરી છે.













