રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી અને સિક્યુરિટી ગાર્ડથી સજ્જ પાંચ જેટલી બેંકમાં કેશીયરની નજર ચૂકવીને 90,000 ની ચોરી કરનારા મધ્યપ્રદેશના ભોપાલના વતની 25 વર્ષીય મહેશ ગુર્જર તેમજ 26 વર્ષીય સૌરભ કુશવાહા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
પાંચ જેટલી બેંકોમાં 90,000 રૂપિયાની રોકડની ચોરીનો બનાવ
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં આવેલી પાંચ જેટલી બેંકોમાં 90,000 રૂપિયાની રોકડની ચોરી કરનારા બે જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીમાં ગયેલ 90,000 ની રોકડ કબજે કરવામાં આવી છે.
પાંચ જેટલી ફરિયાદ નોંધાઇ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ દ્વારા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ફેડરલ બેંક તેમજ ઉજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બે બેંકોમાં ચોરી કરી હોવાની કબુલાત પણ આપવામાં આવી છે. ત્યારે ત્રણેય પોલીસ સ્ટેશન ખાતે કુલ પાંચ જેટલી ફરિયાદ ચોરી કરનારા આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 303 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
200 ના દરની ચલણી નોટના બદલામાં 500ના દરની ચલણી નોટ મેળવતા
આરોપીઓ અલગ અલગ બેંકમાં જઈને પોતાની પાસે રહેલ 200 ના દરની ચલણી નોટના બદલામાં 500ના દરની ચલણી નોટ મેળવતા હતા. તેમજ તેમાંથી 500ના દરની 10000 રૂપિયાની નોટ કેશિયરની સાથે વાતચીત કરતા દરમિયાન સેરવી લેવામાં આવતી હતી. તેમજ બાદમાં પોતાને ચોક્કસ સીરીયલ નંબરની નોટોની જરૂરિયાત છે તેવું કહી 500નું બંડલ નોટો કાઢી લીધા બાદ પરત આપી દેવામાં આવતું હતું. તેમજ 200 ના દરની નોટોનું બંડલ પોતે અગાઉ જે કેશિયરને આપ્યું હોય તે પરત મેળવી લેતા હતા.
ત્રિકોણ બાગ પાસે આવેલા શાસ્ત્રી મેદાન ખાતેથી આરોપીને ઝડપ્યા
રાજકોટ શહેરના ત્રણ જેટલા પોલીસ સ્ટેશનમાં 5 જેટલી બેંકો માંથી 90 હજાર રૂપિયાની રોકડ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસને ચોક્કસ રાહથી હકીકત મળી હતી કે, બેંકમાં જઈ નોટો બદલાવાના નામે રોકડની ચોરી કરનારા બે શખશો રાજકોટ શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલા શાસ્ત્રી મેદાન ખાતે ઉભા છે. જે ચોક્કસ હકીકતના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ચલણી નોટો સેરવી લેતા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહેશ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતે જ્યારે બેંકમાં જતો હતો. ત્યારે કેશિયરને લગ્ન પ્રસંગ અર્થે વરરાજાને જે ચાલની નોટનો હાર પહેરાવવાનો હોઈ છે તે વિધિ માટે નોટ એક્સચેન્જ કરાવી છે તેવું જણાવતો હતો. તેમજ ત્યારબાદ 200 ના બદલે 500 ની નોટ આપવામાં આવ્યા બાદ તે 500ની નોટના બંડલ માંથી 10,000 રૂપિયા જેટલી રકમની નોટો સેરવી લેતો હતો. નોટો સેરવી લીધા બાદ બાકી રહેલી રકમનું બંડલ કેશિયરને પરત આપતો હતો. તેમજ ત્યારબાદ પોતાને ચોક્કસ સીરીયલ નંબરની નોટો જોઈ છે. તેવી માગણી કરતો હતો.
પોલીસ તપાસ શરુ
પોલીસની પ્રાથમિક તપાસમાં મહેશ ગુર્જર બેંકમાં જઈ ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. જ્યારે કે, સૌરભ કુશવાહા બેંકની બહાર ધ્યાન રાખતો હતો. આરોપી મહેશ ગુર્જર વિરુદ્ધ અગાઉ ઓરિસ્સાના ભદ્રેક પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી આચરવાનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. આરોપીઓ દ્વારા રાજકોટ શહેર સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યા છે કે કેમ તે બાબતે પણ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ જે જગ્યાએ ચોરી કરવા જતા હતા તે જગ્યાએ તેઓ મધ્યપ્રદેશ રાજ્યની નંબર પ્લેટ વાળા ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હતા. જેથી પોલીસને તપાસના કામે બેંકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તો કામે લાગ્યા જ હતા. તેમની સાથો સાથ બાઈકમાં લગાવેલ નંબર પ્લેટ પરથી આરોપીઓ મધ્યપ્રદેશ તરફના હોવાનું પણ પ્રાથમિક જણાઈ આવતા ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચો--- AMC જાહેર કાર્યક્રમો માટે પાણીની ખરીદી કરશે, પોતાનો જ પ્લાન્ટ બંધ હોવાથી 50 લાખના ટેન્ડરને અપાઇ મંજૂરી