રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસે એક એવી ટોળકીને ઝડપી પાડી છે જેણે સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા હતા. બેંકોમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડની હાજરી હોવા છતાં, મધ્યપ્રદેશના ભોપાલના બે યુવાનોએ પાંચ જેટલી બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રૂ. 90,000થી વધુની રોકડ સેરવી લીધી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના ભોપાલના વતનીઓનો સમાવેશ થાય છે: 1. મહેશ ગુર્જર (ઉંમર 25 વર્ષ), 2. સૌરભ કુશવાહા (ઉંમર 26 વર્ષ).


બેંકમાં નોટ બદલવાના નામે કરી હતી ચોરી

આરોપીઓ અત્યંત આત્મવિશ્વાસ સાથે બેંકમાં પ્રવેશતા હતા. તેઓ કેશિયર પાસે જઈને નવી નોટો લેવાના અથવા નોટો બદલવાના બહાને વાતચીત કરતા. કેશિયર જ્યારે નોટોનું બંડલ ગણતો હોય અથવા અન્ય કામમાં વ્યસ્ત હોય, ત્યારે આ આરોપીઓ પોતાની આંગળીઓની કરામતથી બંડલમાંથી નોટો સેરવી લેતા અને પોતાની પાસે સંતાડી દેતા હતા. નવાઈની વાત એ છે કે તેઓ જાણતા હતા કે બેંકમાં સીસીટીવી છે, છતાં તેઓ આ કળામાં એટલા માહેર હતા કે કેશિયરને તાત્કાલિક ખબર પણ ન પડતી.

પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

રાજકોટ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ તપાસના ભાગરૂપે તેમને બેંકમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમણે કઈ રીતે કેશિયરની નજર ચૂકવીને ચોરી કરી હતી તેનું લાઈવ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દ્વારા પોલીસે ટેકનિકલ પુરાવાઓ એકત્ર કર્યા છે જેથી કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરી શકાય. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ રાજકોટની કુલ પાંચ બેંકોને નિશાન બનાવી હતી. હાલમાં પોલીસે તેમની પાસેથી ચોરીની રકમ કબજે કરી છે અને તેઓ ગુજરાતના અન્ય કયા શહેરોમાં સક્રિય હતા તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: