રાજકોટ ગ્રામ્ય પોલીસની ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને પકડી પાડવા માટે આદરેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. લોધિકા તાલુકાના ખીરસરા ગામે થયેલી ચોરીના મામલે પોલીસે બે રીઢા તસ્કરોની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મળેલી બાતમીના આધારે ઉપલેટાના ભાયાવદર વિસ્તારમાં દરોડો પાડીને બે રીઢા ગુનેગારોને દબોચી લીધા હતા, જકશી વાઘેલા અને કિશન વાઘેલા.


રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચને કરી કાર્યવાહી

આરોપીઓ પાસેથી ચોરીની રૂ. 2 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. રોકડ ઉપરાંત ચોરીમાં વપરાયેલા અથવા ચોરી કરેલા મોબાઇલ ફોન અને અન્ય સામાન પણ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ ભાયાવદર વિસ્તારમાં છુપાયેલા હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ભાયાવદર પોલીસને સોંપવામાં આવ્યા છે.

ભાયાવદર પોલીસે આગળની કાર્યવાહી કરી

પોલીસને આશંકા છે કે આ તસ્કર જોડીએ રાજકોટ ગ્રામ્ય પંથકમાં અન્ય સ્થળોએ પણ હાથફેરો કર્યો હોઈ શકે છે. પકડાયેલા બંને શખ્સો રીઢા તસ્કર હોવાનું સામે આવ્યું છે, જેમના પર અગાઉ પણ ચોરીના કેસ નોંધાયેલા હોવાની શક્યતા છે. રાજકોટ રૂરલ પોલીસે આ સફળતા દ્વારા તસ્કરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગ્રામ્ય વિસ્તારોમાં થતી આવી ઘટનાઓ રોકવા માટે હવે રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: