કૌટુંબિક મામાના અનૈતિક સંબંધોના કારણે 26 વર્ષીય ભાણેજ 26 વર્ષીય ચંદનકુમાર રાઉત નામના વ્યક્તિની ગત 18 ડિસેમ્બર 2025 ના રોજ રાત્રિના દોઢ વાગ્યે આસપાસ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં તીક્ષણ હથિયારના ઘા તેમજ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. ગોંડલ તાલુકા પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી છે
પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ
સમગ્ર મામલે મૃતક ચંદનકુમાર રાઉતના 22 વર્ષીય લાલુકુમાર રાઉત નામના મામા દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (1), 118 (1), 61 (2) સહિતની કલમ અંતર્ગત રાકેશકુમાર મંડલ, છોટેલાલ દવે, નવીનકુમાર મંડલ, છોટુ કુમાર મંડલ, ગણેશ કુમાર ઉર્ફે ડમરુ તેમજ નીરજકુમાર રાઉત સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા તાત્કાલિક અસરથી ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તું મારા ભાઈ નવીનની પત્ની પ્રીતિ સાથે કેમ સંબંધ રાખે છે?
પોલીસને આપેલી ફરિયાદમાં મૂળ બિહારના બાંકા જિલ્લાના વતની લાલુકુમાર રાઉત દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગત 17 ડિસેમ્બર 2025 ના રોજ મારા મિત્ર રાકેશ કુમારનો મને ફોન આવ્યો હતો. ફોન કરીને તેણે રાત્રે જમવાનું પ્રોગ્રામ કર્યો છે તેવું જણાવવામાં આવ્યું હતું. દરમિયાન ભરૂડી ટોલનાકા પાસે મળવાનું નક્કી કર્યું હતું. ત્યારે રાત્રિના સમયે હું મારા મિત્ર વિવેકકુમાર તેમજ ભાણેજ ચંદન કુમાર સાથે ગયો હતો. તેમજ રાત્રિના સમયે મારા મિત્રો તેમજ રાકેશકુમારના મિત્રો એકઠા થયા હતા. દરમિયાન રાકેશકુમાર દ્વારા મને કહ્યું હતું કે તું મારા ભાઈ નવીનની પત્ની પ્રીતિ સાથે કેમ સંબંધ રાખે છે? તું એને શા માટે મેસેજ કરે છે? કેમ કહી મારો મોબાઇલ માંગયો હતો પરંતુ મેં મોબાઈલ નહીં આપતા તેઓ મારી સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા.
ભાણાની હત્યા કરી
દરમિયાન મારો ભાણેજ ચંદનકુમાર તથા વિવેકકુમાર વચ્ચે પડ્યા હતા. જેથી હું ત્યાંથી દૂર જતો રહ્યો હતો. દરમિયાન રાકેશકુમાર દ્વારા મારા ભાણેજ ચંદન કુમારને પાછળથી ગળું પકડી લીધું હતું તેમજ તેના મિત્રો દ્વારા મારામારી કરવામાં આવી હતી. દરમિયાન રાકેશ કુમાર દ્વારા છરી તથા છોટાલાલ દ્વારા પથ્થરથી મારા ભાણેજનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું હતું.
પોલીસ સ્થળ પર આવી
સમગ્ર મામલે વિવેકકુમાર દ્વારા 112 નંબર પર ફોન કરવામાં આવતા પોલીસ સ્થળ પર આવી હતી. તેમજ ચંદન કુમારને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતક એક મહિના પૂર્વે જ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કામકાજ અર્થે આવ્યો
ગોંડલ ડિવિઝનના DYSP કિશોર સિંહ ઝાલા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હત્યાની તપાસ સંદર્ભે પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ છરી તેમજ પથ્થર કબજે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતક એક મહિના પૂર્વે જ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કામકાજ અર્થે આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું તેમજ અગાઉ પણ પોતે મજૂરી કામકાજ અર્થે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કામકાજ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
રિમાન્ડની માગણી
મૃતકને પેટના ભાગે તેમજ હાથ તેમજ પગના ભાગે છરી વડે ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તેમજ પથ્થરના ઘા પણ ઝીંકવામાં આવ્યા હતા. ત્યારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો