તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા ડામર રોડની ગુણવત્તા મુદ્દે કરેલી ટકોર બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ડામર રોડના કામમાં ગંભીર ખામીઓ સામે આવી છે.


 ડામરની જાડાઈ અને મટીરીયલ નબળું હોવાનું ખુલ્યું

વોર્ડ નંબર 11ના ભીમનગર વિસ્તારમાં ચાલી રહેલા ડામર રોડના કામની ચકાસણી દરમિયાન ડામરની જાડાઈ અને મટીરીયલ નબળું હોવાનું ખુલ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે ડામર કામમાં લોલમલોલ કરવામાં આવી રહી હતી, જેના કારણે રોડની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

 પ્રદીપ કન્સ્ટ્રકશનને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી

મ્યુનિસિપલ કમિશનરના ચેકિંગ દરમિયાન ખામીઓ બહાર આવતાં ડામર રોડનું કામ કરતી પ્રદીપ કન્સ્ટ્રકશનને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે.

ડેપ્યુટી એન્જિનિયર આઈ.યુ. વસાવા તેમજ એન્જિનિયર દીપક ભોજાણીને કારણદર્શક નોટિસ

આ ઉપરાંત ડેપ્યુટી એન્જિનિયર આઈ.યુ. વસાવા તેમજ કરાર આધારિત એન્જિનિયર દીપક ભોજાણીને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

 ડામર રોડની ગુણવત્તા અંગે સતત સવાલો ઉઠી રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં ડામર રોડની ગુણવત્તા અંગે સતત સવાલો ઉઠી રહ્યા હતા. મુખ્યમંત્રીની ટકોર બાદ અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા છે, જેમાં એક પછી એક ખામીઓ બહાર આવી રહી છે.

કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં

મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો----    Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ભારે રોષ વચ્ચે સમાજના આગેવાનો લેશે જાબડીયાની મુલાકાત

  • Follow us on: