રાજકોટ શહેરમાંથી એક અત્યંત વિચલિત કરી દેનારી ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં એક પાળેલા નિર્દોષ શ્વાન પર પિતા અને પુત્રએ અમાનવીય રીતે તૂટી પડી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


અબોલ જીવ પર લાકડીઓ વડે તૂટી પડ્યા

ઘટનાની વિગત મુજબ, રાજકોટના રહીશ મહેન્દ્રસિંહ અને તેમનો પુત્ર અભિરાજસિંહ કોઈ અગમ્ય કારણોસર રસ્તા પર રહેલા એક અબોલ જીવ પર લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. આ પિતા-પુત્રની જોડીએ નિર્દોષ શ્વાનને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જ્યારે શ્વાન ચીસો પાડી રહ્યો હતો, ત્યારે તેને બચાવવા માટે હિંમતવાન સ્ત્રી દોડી આવી હતી. જોકે, હેવાનિયત પર ઉતરી આવેલા પિતા-પુત્રએ આ મહિલાને પણ છોડી ન હતી અને તેની સાથે પણ ઝઘડો કરી માર માર્યો હતો.

ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ

આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે હવે વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ બંને શખ્સો કાયદાનો ડર રાખ્યા વગર એક અબોલ જીવ પર પ્રહાર કરી રહ્યા છે.

યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો

પશુ ક્રૂરતાની આ ઘટના સંદર્ભે રાજકોટની યુનિવર્સિટી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ અને અભિરાજસિંહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એનિમલ ક્રૂરતા એક્ટ અને મહિલાઓ સાથેની ગેરવર્તણૂક મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પશુ પ્રેમી સંગઠનોએ આ પિતા-પુત્ર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ અબોલ જીવ પર આવો અત્યાચાર કરવાની હિંમત ન કરે.


આ  પણ વાંચો---  Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

  • Follow us on: