જમીન મિલકતના વિવાદો ક્યારેક જીવલેણ સાબિત થતા હોય છે, તેવી જ એક કરુણ ઘટના રાજકોટના આટકોટમાં સામે આવી છે. આટકોટમાં રહેતા અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા 46 વર્ષીય પંડિતભાઈ કુંવરીયાએ જમીન બાબતે ચાલી રહેલી માથાકૂટથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
જમીન બાબતે વિવાદ અને માથાકૂટ
મળતી વિગતો અનુસાર, પંડિતભાઈને છેલ્લા કેટલાક સમયથી જમીન બાબતે વિવાદ અને માથાકૂટ ચાલી રહી હતી. આ માનસિક તણાવને કારણે તેમણે અંતિમ પગલું ભરતા ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે પોતાનું નિવેદન પણ આપ્યું હતું. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.













