રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારી જમીન પર માત્ર કબજો જ નહીં, પરંતુ ભૂમાફિયાઓએ ત્યાં પાકાં બાંધકામો કરી ભાડાનું આખું નેટવર્ક ઊભું કર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભૂમાફિયાઓએ સરકારી જમીન પચાવી પાડીને ત્યાં 40 જેટલી ઓરડીઓ બનાવી દીધી હતી.


40 જેટલી ઓરડીઓ બનાવવામાં આવી હતી

આ ઓરડીઓ ગરીબ અને શ્રમિક પરિવારોને ભાડે આપવામાં આવતી હતી. દરેક ઓરડી દીઠ પ્રતિ માસ 3,000 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું. આ રીતે ભૂમાફિયાઓ દર મહિને લાખો રૂપિયાની કમાણી સરકારી જમીન પરથી કરી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના જેસીબી મશીનોએ આ તમામ 40 ઓરડીઓ પર ફરી વળીને તેને જમીનદોસ્ત કરી દીધી છે.

પ્રતિ ઓરડીનું 3 હજાર રૂપિયા વસૂલાતું હતું ભાડું

ભૂમાફિયાઓએ ખડકેલા આ ગેરકાયદે સામ્રાજ્યને તોડી પાડીને લાખોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ કાર્યવાહીથી એ સ્પષ્ટ થયું છે કે જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, તેમાં માત્ર રહેણાંક મકાનો જ નહીં પરંતુ વ્યવસાયિક હેતુથી પચાવી પાડેલી જમીનો પણ સામેલ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ઓરડીઓ તોડી પાડવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: