રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજે ખેત મજૂરો અને ભાગ્યા રાખતા શ્રમિકોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશિંગુ ફૂંક્યું છે. અંદાજે 600 જેટલા શ્રમિકોએ એકઠા થઈ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. ખેત મજૂરો દ્વારા પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.


દેવામાં ડૂબેલા શ્રમિકોએ કરી વળતરની માંગ

ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જવાથી ખેતરોમાં ભાગીદારીમાં કામ કરતા 'ભાગ્યા' શ્રમિકો દેવામાં ડૂબી ગયા છે. શ્રમિકોની મુખ્ય માંગ છે કે, પાક નુકસાનીનું સીધું વળતર માત્ર જમીન માલિકોને જ નહીં, પરંતુ પરસેવો પાડતા ખેત મજૂરોને પણ મળવું જોઈએ.

પાયાની સુવિધાઓ અને મહિલા સુરક્ષાનો પ્રશ્ન

શ્રમિકોએ પોતાની 8 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં શ્રમિકો માટે પાકા રહેઠાણ અને રાશન કાર્ડની વ્યવસ્થા, ખેત મજૂરોના બાળકો માટે શિક્ષણની પૂરતી સુવિધા, સીમ વિસ્તારના ખેતરોમાં રહેતી મહિલાઓની સુરક્ષાની ખાતરી, કામ દરમિયાન અકસ્માત થાય તો વીમા સહાયની જોગવાઈ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આંદોલન તેજ કરવાની ચીમકી

શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે, રાત-દિવસ મહેનત કરવા છતાં તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. જો સરકાર દ્વારા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ કરવામાં આવશે. શ્રમિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જરૂર પડશે તો તેઓ ન્યાય માટે ગાંધીનગર સુધી કૂચ કરીને પોતાનો વિરોધ નોંધાવશે.


આ પણ વાંચો - Gandhinagar: બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો


  • Follow us on: