રાજકોટ ખાતે આયોજિત 74મી અખિલ ભારતીય પોલીસ હોકી ટુર્નામેન્ટનું આજ રોજ ભવ્ય સમાપન થયું છે. સમગ્ર દેશના પોલીસ દળો વચ્ચે રમાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિજેતા ટીમોને સન્માનિત કરવા માટેના સમાપન સમારોહમાં ગુજરાતના રાજ્ય પોલીસ વડા (DGP) વિકાસ સહાય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ પોલીસ ફોર્સમાં રમતગમતની ભાવના અને શિસ્તને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. આ વર્ષે સ્પર્ધામાં કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળની કુલ 24 પુરૂષ ટીમો અને 8 મહિલા ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 600થી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
પંજાબ પોલીસની ટીમ વિજેતા બની
અંતિમ મુકાબલા બાદ વિજેતા ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. મહિલા વર્ગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શસ્ત્રત સીમા બલ (SSB)ની ટીમે વિજય હાંસલ કર્યો હતો. જ્યારે પુરૂષ વર્ગની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન સાથે પંજાબ પોલીસની ટીમ વિજેતા બની હતી. સમાપન સમારોહ દરમિયાન, ડીજીપી વિકાસ સહાયે ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં કુલ 56 જેટલી મેચો રમાઈ હતા, જેમાંથી કેટલાક મેચો ખરેખર ખૂબ જ રસાકસીભર્યા અને રોમાંચક રહ્યા હતા. જોકે, તમામ ખેલાડીઓએ રમતની ભાવના અને પોલીસની શિસ્ત જાળવી રાખીને સંપૂર્ણ ખેલદિલીથી આ મેચો રમ્યા તે પ્રશંસનીય બાબત છે.













