મહાનગરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નશાના કારોબારે પગપેસારો કર્યો છે. તાજેતરમાં રાજકોટ શહેર બાદ હવે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ જિલ્લા એસઓજી (Rajkot SOG) ટીમે બાતમીના આધારે સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરીને ખેતરમાં થતા ગાંજાના વાવેતરને ઝડપી લીધું છે.


વાડીમાં છુપાયેલું હતું નશાનું વાવેતર

મળતી માહિતી મુજબ, નિર્મળ નાથાભાઈ ડેર નામના શખ્સે પોતાની વાડીમાં છુપી રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. આરોપી છેલ્લા 4 મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. પોલીસની રેડ દરમિયાન વાડીમાંથી કુલ 21.300 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 10.65 લાખ આંકવામાં આવી રહી છે.

પોલીસની કડક કાર્યવાહી અને અપીલ

આ સફળ ઓપરેશન બાદ ગ્રામ્ય એસઓજીએ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગ્રામ્ય ASP સિમરન ભારદ્વાજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, નશાના આ દૂષણને ડામવા પોલીસ કટિબદ્ધ છે. તેમણે યુવાધનને ખાસ અપીલ કરતા કહ્યું કે, યુવાનોએ ગાંજા અને અન્ય ઘાતક વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ભવિષ્ય પણ બરબાદ કરે છે. હાલ પોલીસે તમામ જથ્થો કબજે કરી, આરોપી આ ગાંજાનું વેચાણ ક્યાં અને કોને કરવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Kutch News: પશ્ચિમ કચ્છ SOG પોલીસને મળી મોટી સફળતા, ભુજમાંથી MD ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ



  • Follow us on: