રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે 'ઓપરેશન મ્યુલ હન્ટ-2.0' અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ગુનેગારોને કમિશનની લાલચે પોતાના બેંક ખાતા ભાડે આપતા તત્વો પર પોલીસે ધોંસ બોલાવી છે. જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડ અંતર્ગત કુલ 8 FIR નોંધીને 16 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.
રૂ.1 કરોડ 78 લાખનું મોટું સાયબર ફ્રોડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા અને વોન્ટેડ શખ્સોના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સાયબર ઠગો દ્વારા આશરે 1 કરોડ 78 લાખ રૂપિયાનું મોટું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આ અંગે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદો મળી હતી. સાયબર ગુનેગારો સામાન્ય લોકોને ટૂંકી કમાણીની લાલચ આપી તેમના બેંક ખાતા (મ્યુલ એકાઉન્ટ) મેળવતા હતા અને તેમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોવાનો ખુલાસો થયો છે.













