રાજકોટ જિલ્લાના જસદણ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા કલાલના ડેલા વિસ્તારમાં આજે એક શખ્સે દારૂના નશામાં ભારે આતંક મચાવ્યો હતો. મહિલાની મર્યાદા લોપતા બિભત્સ શબ્દો બોલનારા આ દારૂડિયાને જ્યારે મહિલાએ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા દારૂડિયાએ લાકડી વડે હુમલો કરી દીધો હતો. જોકે, આ ઘટના બાદ આસપાસની મહિલાઓ એકત્ર થઈ જતાં દારૂડિયાને પાઠ ભણાવવામાં આવ્યો હતો.


અપશબ્દો બોલવાની ના પાડતા હુમલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, કલાલના ડેલા પાસે એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા ખાતા એક મહિલાના ઘર પાસે પહોંચ્યો હતો અને ત્યાં ઊભા રહીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. મહિલાએ આ ગેરવર્તણૂકનો વિરોધ કરી તેને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, જેનાથી ઉશ્કેરાઈને દારૂડિયાએ નજીકમાં પડેલી લાકડી ઉઠાવી લીધી હતી અને મહિલાના શરીરના ભાગે 5થી 6 લાકડીના ફટકા ઝીંકી દીધા હતા.

મહિલાઓએ સાથે મળીને શીખવ્યો સબક

રક્ષણ માટેની બૂમો સાંભળીને ગણતરીની મિનિટોમાં જ વિસ્તારની અન્ય મહિલાઓ લાકડીઓ અને સાવરણીઓ લઈને દોડી આવી હતી. મહિલા પર થયેલો હુમલો જોઈ નારીશક્તિનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. મહિલાઓએ એકત્ર થઈને આ દારૂડિયાને ઘેરી લીધો હતો અને જાહેરમાં જ સાવરણી તથા લાકડી વડે બરાબરનો 'મેથીપાક' ચખાડ્યો હતો.

સ્થાનિકોમાં ફેલાયો રોષ

આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ દારૂડિયો અવારનવાર નશો કરીને મહિલાઓની છેડતી અને પરેશાની કરતો હોય છે. વારંવારની હેરાનગતિથી કંટાળેલી મહિલાઓએ આજે તેને જાહેરમાં પાઠ ભણાવીને પોલીસ તંત્ર સામે પણ સુરક્ષાની માંગ ઉઠાવી છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, અને દારૂબંધીના કાયદાના અમલીકરણ સામે પણ સવાલો ઉભા થયા છે.


આ પણ વાંચો - Banaskantha News: વાવ-થરાદમાં લવ જેહાદની ઘટના, સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરાતા બે સામે ફરિયાદ


  • Follow us on: