રાજકોટ શહેરમાં પોલીસની ઓળખ આપીને લોકો પાસે તોડબાજી કરતા એક ભેજાબાજ શખ્સને અસલી પોલીસે દબોચી લીધો છે. રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલ પાસેથી સંદીપ રામાવત નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો છે, જે લાંબા સમયથી નકલી પોલીસ બનીને લોકો પાસેથી નાણાં પડાવતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી સંદીપ રામાવત રસ્તા પર પસાર થતા વાહનચાલકો કે સામાન્ય નાગરિકોને અટકાવી પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપતો હતો.


પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો

કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવી તે લોકો પાસેથી પતાવટના નામે રોકડા પૈસા પડાવતો હતો. પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ પોલીસના નામે ઉઘરાણા કરી રહ્યો છે, જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો. પોલીસે ધરપકડ દરમિયાન આરોપી પાસેથી રૂ.30,000 રોકડા, ગુનામાં વપરાયેલું સાધન એમ બાઈક અને રોકડ મળીને અંદાજે રૂ.80,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે આરોપી સંદીપ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હેમુ ગઢવી હોલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સંદીપે અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ. આ ઘટના બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ પોલીસ હોવાનો દાવો કરીને પૈસા માંગે, તો તરત જ તેનું આઈડી કાર્ડ માંગવું અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: