રાજકોટમાં આવેલા જસદણ-આટકોટ રોડ પર પૂરપાટ ઝડપે આવતા એક JCB ચાલકે બાઈક સવાર બે ભાઈઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બીજા ભાઈ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના ગમમા પીપળીયા ગામના વતની અને હાલ જસદણ ખાતે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા બે સગા ભાઈઓ પોતાના બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે જસદણ અને આટકોટ વચ્ચેના માર્ગ પર કાળ બનીને આવેલા એક JCB સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે JCB ના લોખંડના દાંતા બાઈક પર સવાર બંને ભાઈઓના પેટના ભાગે ખૂંપી ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં એક ભાઈએ તડપીને ત્યાં જ દમ તોડી દીધો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં કણસતા બીજા ભાઈને બચાવવા માટે જાગૃત નાગરિકોએ તાત્કાલિક ‘108 ઈમરજન્સી સેવા’ને જાણ કરી હતી. લોકોએ એક પછી એક એમ અનેક ફોન કર્યા હોવા છતાં, કમનસીબે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી.













