રાજકોટ રેલવે સ્ટેશન પરથી દોઢ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અપહરણની ઘટના ત્યારે બની જ્યારે બાળકીના માતા મોબાઇલ ફોનમાં મશગૂલ હતા અને તેમની બેદરકારીનો લાભ લઈને અપહરણકર્તાઓએ બાળકીને ઉપાડી લીધી હતી. માતાની થોડી ક્ષણની બેદરકારી એક ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકી હોત. રેલવે પોલીસે અપહરણની આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકીને અપહરણકર્તાઓના સકંજામાંથી સહી-સલામત છોડાવી લીધી હતી.
આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો
પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે બાળકીનું પુનઃમિલન તેના પરિવાર સાથે શક્ય બન્યું છે. આ મામલે રેલવે પોલીસે ગોમટાના ભાઈ-બહેન સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને સમગ્ર મામલે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે માતા-પિતાએ બાળકોની સુરક્ષા અંગે વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે, નહીં તો મોબાઇલમાં ધ્યાન રાખવાની આવી બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે.













